પ્રજાપતિ દક્ષની પુત્રી સતીએ પિતાની ઇચ્છા વિરુદ્ધ ભગવાન શિવ સાથે વિવાહ કર્યા. દક્ષને સ્મશાનવાસી, ભસ્મ લગાવનાર શિવ પસંદ નહોતા.
એક વાર દક્ષે મહાન યજ્ઞ કર્યો અને સૌ દેવોને આમંત્રણ આપ્યું, પણ શિવજીને જાણીજોઈને બોલાવ્યા નહીં. શિવજીના રોકવા છતાં સતી પિતાના ઘરે ગયાં. ત્યાં ભરી સભામાં દક્ષે શિવજીનું અપમાન કર્યું. પતિનું અપમાન સહન ન થતાં સતીએ યોગાગ્નિથી દેહત્યાગ કર્યો.
આ સમાચારથી શિવજીનો ક્રોધ ભડકી ઊઠ્યો. તેમણે જટામાંથી વીરભદ્રને પ્રગટ કર્યા, જેમણે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો. પછી શોકમગ્ન શિવજી સતીનો દેહ ખભે ઉપાડીને તાંડવ કરતા સમગ્ર સૃષ્ટિમાં ભટકવા લાગ્યા.
સૃષ્ટિને બચાવવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના ભાગ કર્યા. જ્યાં જ્યાં એ અંગો પડ્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. ગુજરાતનું અંબાજી પણ એક મુખ્ય શક્તિપીઠ માનવામાં આવે છે.