ગુરુજી કીર્તન • લિરિક્સ

મોરારી આવ્યા માંગવા

morari aavya mangva

સ્વર: હંસાબેન પોરિયા

મોરારી આવ્યા માંગવા

ગુરુજી1.9K વ્યૂઝ26 એપ્રિલ 20266:01

પીડીએફ / પ્રિન્ટ સેટિંગ્સ

ભજન લિરિક્સ

18px
હાં રે બલિ ને આંગણે આવ્યા છે બ્રહ્મચારી, મોરારી આવ્યા માંગવા.... સોનલે મઢેલી એની અઢી ફૂટ ની કાયા, હા રે એની આંખું માં વટ ને ખુમારી મોરારી આવ્યા માંગવા... કમર કસી ને એણે વાળી છે લંગોટી, હા રે એને ખંભે નાનકડી છે ઝોળી મોરારી આવ્યા માંગવા.... કેશ લટકે ને ચોટલી રે લટકે, હાં રે એની આંખુ માં દેખાય દુનિયા સારી મોરારી આવ્યા માંગવા.... લલાટે લગાડી એણે ઉજળી ભભૂતી, હાં રે એને અંગે જનોઈ ત્રણ તારી મોરારી આવ્યા માંગવા... હાથમાં છે કમંડળ છે વાંસ ની છે લાકડી, હાં રે ચૌદ બ્રહ્માંડ નો નાથ બન્યા ભિખારી મોરારી આવ્યા માંગવા.... આવો બટુકજી અવસર દીપાવો, હાં રે તમે માંગી લ્યોને મરજી તમારી મોરારી આવ્યા માંગવા.... સાડા ત્રણ ડગલાં પૃથ્વી મારે જોઈએ, હાં રે બલિ વિચારીને કરજો દાતારી મોરારી આવ્યા માંગવા... ભૂદેવે જાણ્યું ને અદિતિ એ જાણ્યું, હાં રે એના અદેખા ગુરુએ વાત જાણી મોરારી આવ્યા માંગવા.... આકાશ પાતાળ પૃથ્વી ત્રણ ડગલે માપ્યું, હાં રે બલિ અડધું ડગલું રહ્યું બાકી મોરારી આવ્યા માંગવા.... વિઠ્ઠલ વિવેક કરીને વાણી બોલ્યા, હાં રે બલિ ક્યાં ગઈ દાતારી તમારી મોરારી આવ્યા માંગવા.... પ્રભુજી ને ઓળખી ને શિષ નામાવ્યાં, હાં રે પ્રભુ મુકોને માથે અમારી મોરારી આવ્યા માંગવા.... શરણ લંબાવીને શીશ ઉપર મૂક્યો, હારે બલીને પાતાળ માં દીધો છે ચાપી મોરારી આવ્યા માંગવા... ધન્ય ધન્ય ભકતી તારી રે બલીરાઈ, હાં રે તમારે જે રે જોઈએ તે માંગી લ્યો ને મોરારી આવ્યા માંગવા... બીજું તો કાંઈ પ્રભુજી મારે નવ જોઈએ, હાં રે મારે જોઈએ રખવાળી તમારી મોરારી આવ્યા માંગવા... પ્રભુજી બંધાણાં ને લક્ષ્મીજી મુંજાણાં, હાં રે રક્ષા બાંધી છોડાવી લીધા સ્વામિ મોરારી આવ્યા માંગવા... બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ દેવના વારા, હાં રે એને ચાર ચાર માસની રખવાળી મોરારી આવ્યા માંગવા

અર્થ અને સમજૂતી

ભજન વિશે

ભગવાન વિષ્ણુના વામન અવતારની કથા આ ભજનમાં ગવાઈ છે. રાજા બલિના આંગણે એક નાનકડો બ્રહ્મચારી માગવા આવ્યો છે, અને દરેક કડીના અંતે આવે છે — “મોરારી આવ્યા માંગવા.” જે ચૌદ બ્રહ્માંડના નાથ છે, એ પોતે ભિખારી બનીને આવ્યા છે, એ વાતનું અચરજ ભજનમાં છે.

પહેલાં બટુકનું સુંદર વર્ણન છે: અઢી ફૂટની કાયા, આંખોમાં ખુમારી, કમરે લંગોટી, ખભે નાની ઝોળી, લટકતી ચોટલી, લલાટે ભભૂતી, જનોઈ, હાથમાં કમંડળ અને વાંસની લાકડી. બલિ કહે છે, જે જોઈએ તે માગી લ્યો. બટુક સાડા ત્રણ ડગલાં પૃથ્વી માગે છે. બલિના ગુરુને ભેદ સમજાય છે, પણ બલિ દાન આપે છે. પ્રભુ ત્રણ ડગલાંમાં આકાશ, પાતાળ અને પૃથ્વી માપી લે છે, અને અડધું ડગલું બાકી રહે છે. ત્યારે બલિ ઓળખી જાય છે અને પોતાનું માથું નમાવીને કહે છે, પગ મારા માથે મૂકો. પ્રભુ પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહે છે, ને બલિ માગે છે: “મારે જોઈએ રખવાળી તમારી.” પ્રભુ બંધાઈ જાય છે, અને લક્ષ્મીજી બલિને રક્ષા બાંધીને સ્વામીને છોડાવે છે.

ભજનનો સાર બલિની દાનવીરતા અને સમર્પણમાં છે. જેણે પોતાનું સર્વસ્વ, પોતાનું માથું પણ પ્રભુને ધરી દીધું, એણે બદલામાં બીજું કંઈ નહીં, ફક્ત ભગવાનનો સાથ માગ્યો. સાચો ભક્ત ભગવાન પાસે વસ્તુ નહીં, ભગવાનને જ માગે છે.

છેલ્લી કડીમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ચાર-ચાર માસના વારાની વાત આવે છે, એટલે આ ભજન ચાતુર્માસ અને રક્ષાબંધનના દિવસોમાં સત્સંગમાં ખાસ ગવાય છે.