શ્રી કૃષ્ણ કીર્તન • લિરિક્સ

વિદુર પત્ની આવ્યા કાના ને ઘેર જો

Krishna Bhajan

સ્વર: હંસાબેન પોરિયા

વિદુર પત્ની આવ્યા કાના ને ઘેર જો

શ્રી કૃષ્ણ5.4K વ્યૂઝ19 ઑક્ટો. 20264:07

પીડીએફ / પ્રિન્ટ સેટિંગ્સ

ભજન લિરિક્સ

18px
વિદુર પત્ની આવ્યા કાના ને ઘેર જો નોતરુ દેવા રે જમવા કાનને હાથમાં થાળી કંકુ ચોખા ફૂલજો ચોખલિયે વધાવે સુંદર શ્યામને આવો મારા મોંઘેરા મહેમાન જો ભોજનીયા જમાડુ તમને ભાવથી નો જાણું તમારા ઘર જો કિયા રે એધાણે અમે આવશું ચોક વચ્ચે છે પારસ પીપળો જો પીપળાના એંધાણ પ્રભુ આવજો ફળિયા વચ્ચે બાંધી ગૌરી ગાય જો વાછરું ના એંધાણે પ્રભુ આવજો ભાંગેલ તૂટેલ છે મારી ઝૂંપડી જો છજાને એંધાણ પ્રભુ આવજો ફરતી છે કાંઈ કંટોલા ની વેલજો ફુલડાના એંધાણે પ્રભુ આવજો આંગણીયામાં છે તુલસીના છોડ જો પૂજાના એંધાણે પ્રભુ આવજો ઝીણા બોલે મેના પોપટ મોર જો કોયલના ટહુકા રે પ્રભુ આવજો વિદુર પત્ની બેઠા છે નાવા જો શામળીયે ખખડાવી એની ખડકી વિદુર પત્ની આપે છે હોકારો જો કોણે રે ખખડાવી મારી ખડકી વિદુર પત્ની ભૂલ્યા દેહનું ભાન જો ઉઘાડે અંગે રે આવ્યા બારણે વિદુર પત્ની ઉઘાડે એની ખડકી જો શામળિયે ઓઢી રે મુખ પર કામડી ફળિયા વચ્ચે કોથળા દીધા પાથરી જો પોતે રે બેસી ગયા એના સાથમાં કેળા નાખ્યા ફળિયા વચ્ચે ફગવી જો છાલ આપી હરિ ના હાથમાં...૨ વિદુર પત્નીને આવ્યું દેહનું ભાન જો દોડીને ઘરી ગયા એના ઘરમાં તારી મારી કોઈ ન જાણે વાત જો શરણોમાં રાખો રે સુંદર શામળા વિદુર પત્ની આવ્યા કાનાને ઘેર જો નોતરું દેવા રે જમવા કાનને

અર્થ અને સમજૂતી

ભજન વિશે

મહાભારતના જ્ઞાની વિદુરજીનાં પત્ની અને શ્રીકૃષ્ણના પ્રેમની જાણીતી કથા આ ભજનમાં ઘરગથ્થુ ભાષામાં ગવાઈ છે. વિદુર પત્ની હાથમાં કંકુ, ચોખા અને ફૂલની થાળી લઈને કાનાને ઘેર જમવાનું નોતરું દેવા જાય છે અને કહે છે, “આવો મારા મોંઘેરા મહેમાન.”

કૃષ્ણ પૂછે છે કે તમારું ઘર ઓળખતો નથી, કયાં એંધાણે આવું? ત્યારે વિદુર પત્ની પોતાના ઘરનાં એંધાણ આપે છે: ચોકમાં પીપળો, ફળિયામાં બાંધેલી ગૌરી ગાય ને વાછરું, ભાંગેલી-તૂટેલી ઝૂંપડી, કંટોલાની વેલ, આંગણે તુલસી અને મેના-પોપટ-મોર-કોયલના ટહુકા. આ વર્ણનમાં ગરીબ પણ પવિત્ર અને પ્રેમભર્યું ઘર દેખાય છે. પ્રભુ પહોંચે છે ત્યારે વિદુર પત્ની નાહવા બેઠાં હોય છે; ખડકી ખખડે છે અને પ્રેમમાં દેહનું ભાન ભૂલીને એમ ને એમ બારણે દોડી આવે છે. શામળિયા મર્યાદા સાચવવા મોં પર કામળી ઓઢી લે છે. ફળિયામાં કોથળા પાથરી દે છે, અને પ્રેમના ઉમળકામાં કેળાં ફેંકી દઈને છાલ પ્રભુના હાથમાં આપે છે — અને પ્રભુ એ પણ પ્રેમથી સ્વીકારે છે.

ભજનનો સાર એ છે કે ભગવાન વસ્તુ નથી જોતા, ભાવ જુએ છે. રાજમહેલનાં પકવાન છોડીને ઝૂંપડીમાં પ્રેમથી અપાયેલી છાલ પણ તેમને મીઠી લાગે છે. છેલ્લે ભક્ત કહે છે, “તારી મારી કોઈ ન જાણે વાત” — ભક્ત અને ભગવાનનો સંબંધ દુનિયાના હિસાબથી પર છે. સત્સંગમાં આ ભજન ભાવવિભોર થઈને ગવાય છે.